Monday, 26 December 2011

વૃદ્ધાએ કર્યો એક પ્રયોગ જેણે મહિલાઓને ચીધ્યો નવો માર્ગ

પાલનપુર ખાતે જામપુરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા તેમના મકાનના આંગણામાં સિઝન પ્રમાણે શાકભાજીની વાડી બનાવી શાકભાજીના ખર્ચને બચાવી રહ્યા છે. આ સિવાય પણ કેટલીક સોસાયટીઓમાં રહેતા રહીશોમાં પણ ઘરઆંગણે શાકભાજીના વાવેતરનો પ્રયોગ સફળ નિવડી રહ્યો છે.

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં રહેતા મધ્યમ અને ગરીબવર્ગના પરિવારજનોના ભોજનની થાળીમાંથી દાળ-રોટલી પણ દોહલ્યી બની ગઇ છે. આવી સ્થિતિમાં રોજેરોજ શાકભાજીમાં થતો ખર્ચ બચાવી રહ્યા છે. જેમાં જામપુરા વિસ્તારમાં રહેતા સમુબેન બેચરભાઇ ચૌધરીએ ઘરઆંગણે નાનકડી વાડી બનાવી છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘પરિવારમાં એકના એક પુત્રને કુદરતે છીનવી લીધો હોવાથી ઘરનો મોભ તૂટી ગયો છે. આવી સ્થિતિમાં રસોડાના ખર્ચમાં શાકભાજીનો ખર્ચ ઘટાડવા માટે ઘરના આંગણામાં નાનકડી વાડી કરી છે. જેમાં રિંગણા અને કાકડીનું વાવેતર કર્યું છે. 

આ ઉપરાંત એક ભેંસ પણ રાખી છે. જેનું દૂધ આજુબાજુના રહીશોને આપી આર્થિક ઉપાર્જન મેળવીએ છીએ.’ અત્રે ઉલ્લેખનીય છે કે જામપુરા ઉપરાંત હાઇવે સ્થિત સોસાયટીઓ તેમજ છુટાછવાયા રહેણાંક મકાનો ધરાવતા રહીશોમાં પણ છેલ્લા કેટલાક સમયથી ઘરઆંગણે શાકભાજી વાવવાનો પ્રયોગ સફળ નિવડી રહ્યો છે.


(Courtesy: Divyabhaskar.co.in)

No comments:

Post a Comment